મોરબી તાલુકા વિસ્તારમાં જમીન સોદા મામલે એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. નાની વાવડી ગામ પાસે ઓમ પાર્ક સામે જમીન વેચવાના બહાને એક યુવક પાસેથી રૂ. 75.75 લાખ પડાવી લઈ દસ્તાવેજ ન કરી આપતા પાંચ ઇસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે શીવવીલા સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટ તેમજ ખેતી સાથે સંકળાયેલા મનીષભાઈ કેશવજીભાઈ મોરડીયા (ઉ.વ. 37) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર આરોપી અશોકભાઈ સવજીભાઈ મેરજા (રહે. બગથળા), સંદીપભાઈ માવજીભાઈ મેરજા (રહે. મહેન્દ્રનગર), અકીભાઈ શાહ, કેતનભાઈ લાલજીભાઈ સંઘાણી (રહે. ઘુટુ) અને રાજેશભાઈ દેશાભાઈ ચૌહાણ (રહે. માણેકવાડાવાળા)એ ફરીયાદી સાથે જમીન વેચવાનો સોદો કર્યો હતો.
આરોપીઓએ નાની વાવડી ગામે ઓમ પાર્ક સામે આવેલી જમીન વેચવાની વાત કરી ફરીયાદી પાસેથી અલગ-અલગ સમયે કુલ રૂ. 75,75,000/- રોકડ રકમ લીધી હતી. જોકે ત્યારબાદ જમીનનો દસ્તાવેજ કરી આપ્યો નહોતો અને રૂપિયા પરત પણ આપ્યા નહોતા, જેથી ફરીયાદીએ પોતે સાથે ઠગાઈ થયાની ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ 316(2), 54, 61(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
