મોરબીમાં સિરામિક ઉદ્યોગ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે સિરામિક એસોસિએશનની ભૂમિકા પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વ્યસ્ત રહેલા કેટલાક ઉદ્યોગકારો હવે અચાનક ઉદ્યોગની ચિંતા વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.
છેલ્લા ઘણા સમયથી મોરબીના કેટલાક સિરામિક ઉદ્યોગકારો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે ગાંધીનગર સુધી દોડધામ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન સિરામિક ઉદ્યોગ ગેસના મુદ્દે ભારે સંકટમાંથી પસાર થતો હોવા છતાં એસોસિએશન તરફથી કોઈ મજબૂત પગલાં લેવામાં આવ્યા ન હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે.
મંદીના માહોલ વચ્ચે ગેસના વધતા ભાવને કારણે સિરામિક ઉદ્યોગ હાલ ઠપ્પ સ્થિતિમાં પહોંચી ગયો છે. અનેક ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે અને મજૂરો પર રોજગારનું સંકટ ઊભું થયું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગાંધીનગરમાં ટિકિટ મેળવવા માટે દોડતા ઉદ્યોગકારોને જ્યારે ટિકિટ ન મળવાના એંધાણ મળ્યા, ત્યારે તેઓ અચાનક અધ વચ્ચેથી પાછા વળી ઉદ્યોગની ચિંતા દર્શાવતા બન્યા છે.
ઉદ્યોગકારોની વારંવાર રજૂઆત હોવા છતાં એસોસિએશન ચૂંટણીની રાજનીતિમાં વ્યસ્ત રહી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ગુપ્ત મિટિંગો અને રાજકીય દોડધામ વચ્ચે ઉદ્યોગના મૂળ પ્રશ્નો પાછળ ધકેલાઈ ગયા હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે.
હવે પ્રશ્ન એ છે કે — શું આ ઉદ્યોગપ્રેમ ખરેખર સચ્ચો છે કે પછી માત્ર રાજકીય નિષ્ફળતા બાદનો વળાંક?
