સાબરકાંઠાના ઈડર તાલુકાના હસનપુરા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન લીધા બાદ 35થી વધુ બાળકોની તબિયત લથડતાં દોડધામ મચી ગઈ હતી.
શાળામાં મધ્યાહન ભોજનમાં મૂંગચાટ બનાવવામાં આવી હતી. ભોજન લીધા બાદ કેટલાક બાળકોને અચાનક તબિયત બગડવાની ફરિયાદ થતાં તમામને તાત્કાલિક સારવાર માટે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
35થી વધુ બાળકોને હોસ્પિટલ ખસેડાયા બાદ સિવિલ હોસ્પિટલમાં તબીબો દ્વારા બાળકોની સારવાર શરૂ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ઈડરના પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ પણ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, સારવાર બાદ બાળકોની તબિયતમાં સુધારો થયો હોવાનું જાણવા મળ્યું છે.
મધ્યાહન ભોજન લીધા બાદ બાળકોની તબિયત કેમ લથડી તે અંગેનું ચોક્કસ કારણ જાણવા માટે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. ઘટના અંગે શાળા અને ભોજનની ગુણવત્તા સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.
