સુરેન્દ્રનગરમાં આંગણવાડી વર્કર બહેનોએ પગાર વધારા સહિતના વિવિધ મુદ્દાઓને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. 500થી વધુ આંગણવાડી વર્કર બહેનોએ એકત્ર થઈ કલેક્ટર કચેરી ખાતે ધામા નાખી સરકાર સામે પોતાની માંગણીઓ રજૂ કરી હતી.
આંગણવાડી વર્કર બહેનોનો આક્ષેપ છે કે, તેમના પગારમાં યોગ્ય વધારો કરવામાં આવતો નથી, જ્યારે તેમની પાસેથી ઓનલાઈન કામગીરી, મેડિકલ કામગીરી સહિતની વિવિધ વધારાની કામગીરી કરાવવામાં આવી રહી છે. માત્ર રૂ.5,500ના પગારમાં આંગણવાડી વર્કરો પાસે કામગીરી કરાવવામાં આવતી હોવાનો પણ બહેનોએ રોષ વ્યક્ત કર્યો હતો.વર્કર બહેનોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, પગાર વધારા અને કામગીરીને લઈને હાઇકોર્ટના આદેશ હોવા છતાં તંત્ર દ્વારા તેનો યોગ્ય અમલ કરવામાં આવતો નથી. જેના કારણે આંગણવાડી વર્કર બહેનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
આંગણવાડી વર્કર બહેનોએ સરકારને સ્પષ્ટ ચીમકી આપતા જણાવ્યું હતું કે, પગાર વધારા સહિતની માંગણીઓનો તાત્કાલિક નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. જરૂર પડ્યે ગાંધીનગરમાં પણ ધામા નાખીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.હવે આંગણવાડી વર્કર બહેનોની માંગણીઓ અંગે સરકાર અને તંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.
