દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની અછતને પગલે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. કોંગ્રેસની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ સરકાર સામે વિવિધ માંગણીઓ રજૂ કરી હતી.
કોંગ્રેસ દ્વારા જણાવાયું હતું કે, જિલ્લામાં માત્ર 6% જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિ કફોડી બની રહી છે. જો સરકાર દ્વારા દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર લડતના મંડાણ કરવામાં આવશે.
કોંગ્રેસ દ્વારા 21 ઓગસ્ટના રોજ જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન અનોખા વિરોધ સ્વરૂપે “સૌની યોજનાનું બેસણું” રાખવામાં આવ્યું હતું.
કોંગ્રેસનો આક્ષેપ છે કે વર્ષ 2019થી દ્વારકા જિલ્લાના ડેમોને સૌની યોજના મારફતે ભરવાની યોજના છે, પરંતુ 2019થી 2026 સુધીમાં ક્યારેય સૌની યોજનાથી જિલ્લાના ડેમો ભરાયા નથી. કોંગ્રેસે તમામ ડેમોને સૌની યોજનાથી ભરવાની માંગ કરી છે.
ખેડૂતો માટે વિવિધ માંગણીઓ
દ્વારકા જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે.
જિલ્લાના તમામ ડેમો સૌની યોજના મારફતે ભરવામાં આવે.
જિલ્લામાં ઘાસચારા વિતરણ કેન્દ્રો તાત્કાલિક શરૂ કરવામાં આવે.
ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરવામાં આવે.
જિલ્લામાં પાંજરાપોળ શરૂ કરવામાં આવે.
ખેડૂતોના ફિક્સ વીજ બિલ સંપૂર્ણપણે માફ કરવામાં આવે.
કોંગ્રેસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ખેડૂતોની આ માંગણીઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં સરકાર સામે આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
