રોયલ સ્ટેગના સ્ટીકરવાળી બોટલમાં મિથેનોલયુક્ત નકલી દારૂ બનાવવાનો આરોપ, કેમિકલ-કલર-સ્ટીકર સહિતનો મુદ્દામાલ કબજે
ભાવનગર: વરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અકસ્માત મોતના બનાવની તપાસ દરમિયાન રોયલ સ્ટેગના સ્ટીકરવાળી બોટલમાં વધુ માત્રામાં મિથેનોલ ધરાવતો ડુપ્લીકેટ દારૂ હોવાની માહિતી સામે આવ્યા બાદ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી હતી.
સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. જાડેજાની આગેવાની હેઠળ તપાસ હાથ ધરાયા બાદ અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ ડુપ્લીકેટ દારૂ બનાવવામાં અને વેચાણમાં સંડોવાયેલા કુલ 21 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો તથા પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
13 આરોપીઓની ધરપકડ
તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ પાસેથી ડુપ્લીકેટ દારૂની બોટલો ઉપરાંત દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કેમિકલ, કલર, સ્ટીકરો, ઢાંકણાં, સ્ટીકર રોલ અને પઠુાઓ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તપાસમાં આ સામગ્રી દેશના અલગ-અલગ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવવામાં આવતી હોવાની વિગતો સામે આવી હોવાનું પ્રેસ નોટમાં જણાવાયું છે.
ધરપકડ કરાયેલા 13 આરોપીઓમાં ગૌતમ વીરમભાઈ સોલંકી, જતીન સુરેશભાઈ કાંબડ, સારસ દશરથભાઈ સોલંકી, પારસ ઉર્ફે પપ્પુ લાલજીભાઈ ચુડાસમા, મનદીપસિંહ પૃથ્વીરાજસિંહ ગોહિલ, ધમેન્દ્રસિંહ ઉર્ફે ધમો બટુકસિંહ ગોહિલ સહિતના લોકોનો સમાવેશ થાય છે. અન્ય આરોપીઓમાં જયદીપ જીવરાજ મકવાણા, હર્ષ ઉર્ફે હસુ રોહિતભાઈ ચૌહાણ, વિવેક અરજણ અલગોતર, ભાર્ગવ કનૈયાલાલ ભટ્ટ, કેવલ ઉર્ફે સાંગો રમેશભાઈ સોલંકી, સુખદેવ બાધાભાઈ સલાટ અને હાર્દિક ઉર્ફે ટીંચો ગોવિંદભાઈ બારૈયાના નામ પ્રેસ નોટમાં દર્શાવવામાં આવ્યા છે.
બાકી આરોપીઓની શોધખોળ તેજ
પોલીસ દ્વારા જણાવ્યા મુજબ આ કેસમાં હજુ પકડવાના બાકી આરોપીઓ તેમજ તપાસ દરમિયાન ખુલેલા અન્ય સંડોવાયેલા લોકોની ધરપકડ માટે ગુજરાત ઉપરાંત દેશના અલગ-અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ધરપકડ કરાયેલા 13 આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી પણ ચાલુ હોવાનું જણાવાયું છે.
પોલીસની જાહેર અપીલ
પ્રેસ નોટમાં પોલીસ દ્વારા લોકોને ખાસ ચેતવણી આપવામાં આવી છે કે રોયલ સ્ટેગના દર્શાવેલા સ્ટીકરવાળી શંકાસ્પદ બોટલ કે દારૂ કોઈની પાસે હોય તો તેનું સેવન ન કરવું અને તેનો નાશ કરવો. જો કોઈ વ્યક્તિએ આવી બોટલ અથવા સ્ટીકરવાળો દારૂ પીધો હોય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલ અથવા દવાખાનામાં તબીબી તપાસ કરાવવાની અપીલ કરવામાં આવી છે. બોટલ પર દર્શાવાયેલા બારકોડ અને નંબરને પણ ખાસ ધ્યાનમાં રાખવા જણાવાયું છે.
