કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા જડોદર નજીક આવેલા મફતનગર વિસ્તારમાં શનિવારે ભંગારના વાડામાં ગોઝારી ઘટના બની હતી. ભંગાર ભરેલા છોટા હાથીમાંથી સામાન ઉતારતી વખતે અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતાં એક જ પરિવારના ચાર સભ્યોનાં મોત થયા હતા.
મળતી માહિતી મુજબ મામદ ઈલિયાસ કુંભાર અને નૂરમામદ ઈલિયાસ કુંભાર, બંને સગા ભાઈઓ ભંગારની ફેરીનો વ્યવસાય કરતા હતા. તેઓ ભંગાર ખાલી કરી રહ્યા હતા ત્યારે અચાનક ધડાકો થયો હતો. બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે વાહનને પણ ભારે નુકસાન થયું હતું. નજીકમાં રહેલા બે માસૂમ બાળકો પણ બ્લાસ્ટની ઝપેટમાં આવી ગયા હતા.
આ દુર્ઘટનામાં મામદ ઈલિયાસ, નૂરમામદ ઈલિયાસ અને બે બાળકો હુસૈન તથા નૂર ફાતિમાનાં મોત થયાં હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે.
પ્રાથમિક પોલીસ માહિતી પ્રમાણે છોટા હાથીની ડીઝલ ટાંકીમાં બ્લાસ્ટ થયો હોવાની આશંકા છે. જોકે બ્લાસ્ટ પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતાં પોલીસની ટીમો સ્થળ પર પહોંચી હતી. પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુંડા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. FSL સહિતની તપાસના આધારે બ્લાસ્ટનું મૂળ કારણ જાણી શકાય તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ ઘટનાથી સમગ્ર નખત્રાણા પંથકમાં ભારે શોકની લાગણી પ્રસરી છે. એક જ પરિવારના બે ભાઈઓ અને બે માસૂમ બાળકોનાં મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
