Homeગુજરાતમોરબીમાં આંગડિયા પેઢીના વેપારી સાથે રૂ.60.63 લાખની કથિત ઠગાઈ

મોરબીમાં આંગડિયા પેઢીના વેપારી સાથે રૂ.60.63 લાખની કથિત ઠગાઈ

વિશ્વાસ કેળવી રાજકોટ ખાતે રૂ.60,63,400નું આંગડિયું કરાવ્યા બાદ રકમ ઉપાડી ફોન સ્વીચ ઓફ કર્યાનો આક્ષેપ; બે સામે ગુનો

મોરબી: રવાપર ચોકડી પાસે આવેલી શ્રીજી આંગડિયા પેઢીના સંચાલક સાથે રૂ.60,63,400ની કથિત છેતરપિંડી થયાની ફરિયાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ મૂળ જામનગર જિલ્લાના કેસીયા ગામના વતની અને હાલ મોરબીના રવાપર રોડ પર નીતિન સોસાયટીમાં રહેતા તથા આંગડિયા પેઢીનો વ્યવસાય કરતા વિપુલભાઈ મોતીભાઈ ગોધાણી (ઉ.વ.45)એ જયરાજસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ, રહે. શક્તનાળા, મોરબી અને નિમેષભાઈ આચાર્ય, રહે. મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ બંને આરોપીઓ અગાઉ અવારનવાર ફરિયાદીની આંગડિયા પેઢી મારફતે અન્ય સ્થળોએ આંગડિયા કરાવતા હોવાથી ફરિયાદીનો તેમના પર વિશ્વાસ કેળવાયો હતો. ત્યારબાદ આરોપીઓએ તેમના મળતીયા માણસો સાથે કથિત કાવતરું રચી ફરિયાદી પાસેથી રાજકોટ ખાતે આવેલી શ્રીજી આંગડિયા પેઢીમાં રૂ.60,63,400નું આંગડિયું કરાવ્યું હતું.
ફરિયાદ મુજબ રાજકોટ ખાતે મોકલવામાં આવેલી આ રકમ આરોપી નિમેષના આંગડિયા મારફતે ઉપાડી લેવામાં આવી હતી. રકમ ઉપાડ્યા બાદ આરોપીઓએ મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હોવાનો તથા ફરિયાદીને રૂ.60,63,400ની રકમ પરત ન આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સમગ્ર મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી આરોપીઓની ભૂમિકા તેમજ રકમની હેરફેર અંગે વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular