Homeગુજરાતગુજરાત ગેસની લિંક-ભાવની અનિશ્ચિતતા વચ્ચે મોરબીના સિરામિક ઉદ્યોગકારો મુશ્કેલીમાં; સિરામિક એસોસિએશન શું...

ગુજરાત ગેસની લિંક-ભાવની અનિશ્ચિતતા વચ્ચે મોરબીના સિરામિક ઉદ્યોગકારો મુશ્કેલીમાં; સિરામિક એસોસિએશન શું કરી રહ્યું છે?

મોરબી: મોરબીના સિરામિક ઉદ્યોગ માટે એક તરફ ગેસના ભાવ અને લિંકની અનિશ્ચિતતા માથાનો દુખાવો બની છે, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ ઘટી રહી છે. આવી સ્થિતિમાં હવે ઉદ્યોગકારોમાં સવાલ ઉઠી રહ્યો છે કે ઉદ્યોગની સમસ્યાઓના કાયમી ઉકેલ માટે સિરામિક એસોસિએશનો દ્વારા ખરેખર કેટલા અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે?

ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ, જુલાઈમાં ઓગસ્ટ મહિનાના વપરાશ માટે ભરાવવામાં આવેલી લિંકમાં અલગ-અલગ ભાવ અને વપરાશની શરતો રાખવામાં આવી હતી. સેનિટરીવેર માટે આશરે ₹68ના ભાવે 80% ગેસ વપરાશ, રેગ્યુલર લિંક માટે આશરે ₹79ના ભાવે 80% વપરાશ, જ્યારે 30 જુલાઈએ માત્ર ત્રણ કલાક માટે ભરાયેલી લિંકમાં આશરે ₹89નો ભાવ અને 95% ગેસ વાપરવાની ફરજિયાત શરત હોવાનો ઉદ્યોગકારોનો દાવો છે.

આ ઉપરાંત પ્રોપેન અને ગુજરાત ગેસના અસરકારક ભાવમાં પણ તફાવત હોવાનું ઉદ્યોગકારો જણાવી રહ્યા છે. ટેક્સ સહિતની ગણતરીમાં 20 તારીખની લિંકમાં આશરે ₹20 અને 30 તારીખની લિંકમાં આશરે ₹30નો ભાવફરક પડતો હોવાનો દાવો છે.

સપ્ટેમ્બર આવી ગયો, છતાં લિંક અને ભાવ અંગે સ્પષ્ટતા કેમ નહીં?

સૌથી મોટો સવાલ હવે સપ્ટેમ્બર મહિનાને લઈને છે. સપ્ટેમ્બરના ભાવ અને ડિમાન્ડ લિંક હજુ જાહેર થઈ નથી, જ્યારે ઓગસ્ટ મહિનાના ડિસ્કાઉન્ટ અંગે પણ સંપૂર્ણ સ્પષ્ટતા ન હોવાનું ઉદ્યોગકારો કહી રહ્યા છે.

ઉદ્યોગકારોનો સીધો સવાલ છે કે જો આગામી મહિનામાં ગેસનો ભાવ, લિંક અને ડિસ્કાઉન્ટ અંગે જ અગાઉથી ખબર ન હોય તો કંપનીઓ ઉત્પાદનનું આયોજન કેવી રીતે કરે?

ગેસ સિરામિક ઉત્પાદનના ખર્ચમાં મહત્વનું પરિબળ હોવાથી ભાવની નાની મોટી વધઘટ પણ ઉત્પાદન ખર્ચ અને સ્પર્ધાત્મકતા પર સીધી અસર કરે છે.

એક્સપોર્ટમાં 40%નો ઘટાડો — હવે જવાબદારી કોની?

ગેસના પ્રશ્ન સાથે મોરબીના સિરામિક ઉદ્યોગ માટે સૌથી ચિંતાજનક બાબત નિકાસમાં નોંધાયેલો ઘટાડો છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ ગત ક્વાર્ટરમાં સિરામિક ઉદ્યોગનું એક્સપોર્ટ આશરે 40% જેટલું ઘટ્યું છે.

આ સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય સિરામિકની સ્પર્ધાત્મકતા જાળવવા માટે ઊર્જા ખર્ચ, લોજિસ્ટિક્સ, ફ્રેઇટ, કન્ટેનર, નિકાસ પ્રોત્સાહન અને આંતરરાષ્ટ્રીય બજારોની સમસ્યાઓ અંગે મજબૂત રજૂઆત જરૂરી બની છે.

પરંતુ ઉદ્યોગકારોનો સવાલ છે—

“જો એક્સપોર્ટમાં 40% જેટલો ઘટાડો થયો છે તો ઉદ્યોગના હિત માટે એશોસીએસન શું કરી રહ્યું છે?”

“સિરામિક એસોસિએશન તેમજ કેપકસીલ આ મુદ્દે કેન્દ્ર સરકાર અને સંબંધિત મંત્રાલયો સમક્ષ શું રજૂઆત કરી રહ્યું છે?”

“નિકાસ ઘટવાનું મુખ્ય કારણ શું છે અને તેના ઉકેલ માટે રોડમેપ ક્યાં છે?”

માત્ર સરકારની વાહવાહી નહીં, ઉદ્યોગ માટે પરિણામ જોઈએ

ઉદ્યોગકારોમાં એવી પણ ચર્ચા છે કે એસોસિએશનના હોદ્દેદારો સરકાર સાથે સારા સંબંધો અને સરકારની કામગીરીની વાહવાહી કરવામાં આગળ રહે છે, પરંતુ જ્યારે ઉદ્યોગકારોના ખર્ચ અને નિકાસ સામે ગંભીર પડકાર ઊભો થાય છે ત્યારે તે જ તાકાતથી ઉદ્યોગના પ્રશ્નો ઉકેલવા માટે દબાણ કેમ કરવામાં આવતું નથી?

ઉદ્યોગકારોનો મત છે કે સરકાર સાથે સારા સંબંધો હોવા જોઈએ, પરંતુ તેનો સીધો લાભ ઉદ્યોગને મળવો જોઈએ. માત્ર બેઠકો, રજૂઆતો અને નિવેદનો નહીં, પરંતુ ગેસના ભાવમાં પારદર્શિતા, લિંકની સમયસર જાહેરાત, ડિસ્કાઉન્ટની સ્પષ્ટતા અને નિકાસ વધારવા માટે નક્કર પગલાં જરૂરી છે.

સિરામિક એસોસિએશન સામે પણ સવાલ

મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા ગેસના ભાવ અને લિંક અંગે અનેક વખત રજૂઆતો થઈ હોવાના દાવા વચ્ચે હવે સવાલ એ છે કે—

  • ઉદ્યોગકારોની રજૂઆતનું પરિણામ શું આવ્યું?
  • ગેસના ભાવ માટે કાયમી ફોર્મ્યુલા કેમ નક્કી નથી થતો?
  • લિંક અને ડિસ્કાઉન્ટ અંગે અગાઉથી સ્પષ્ટતા કેમ નથી થતી?
  • નિકાસમાં 40% ઘટાડો થયો હોવા છતાં ઉદ્યોગના હિતમાં નક્કર પગલાં કેમ દેખાતા નથી?
  • મોરબીના ઉદ્યોગકારોની સમસ્યાઓ કેન્દ્ર સરકાર સુધી કેટલી અસરકારક રીતે પહોંચાડવામાં આવી રહી છે?

હવે એસોસિએશન પાસે ઉદ્યોગકારો જવાબ માગી રહ્યા છે

મોરબીનો સિરામિક ઉદ્યોગ માત્ર સ્થાનિક નહીં, પરંતુ દેશના નિકાસ ક્ષેત્રમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ગેસના વધતા ખર્ચ અને નિકાસમાં ઘટાડો બંને એકસાથે ઉદ્યોગને અસર કરી રહ્યા હોય ત્યારે ઉદ્યોગકારો હવે સિરામિક એસોસિએશન, અને કેપકસીલ પાસેથી જવાબદારીપૂર્ણ કામગીરીની અપેક્ષા રાખી રહ્યા છે.

ઉદ્યોગકારોનો સવાલ સ્પષ્ટ છે—

«“ઉદ્યોગ મુશ્કેલીમાં છે, એક્સપોર્ટ ઘટી રહ્યું છે, ગેસના ભાવ અંગે અનિશ્ચિતતા છે; તો પછી ઉદ્યોગના હિત માટે જવાબદારી કોની અને ઉકેલ ક્યારે?”»

હવે જોવાનું એ રહેશે કે એસોસિએશન આ સવાલોના નક્કર જવાબ અને પરિણામલક્ષી પગલાં ક્યારે આપે છે.

RELATED ARTICLES

Most Popular