Homeગુજરાતટંકારા પોલીસની બે મોટી કાર્યવાહી: મનપા સ્ટાફ સહિત 9 જુગારી ઝડપાયા, એક...

ટંકારા પોલીસની બે મોટી કાર્યવાહી: મનપા સ્ટાફ સહિત 9 જુગારી ઝડપાયા, એક ફરાર

મહાનગરપાલિકાના સ્ટાફની જુગારની મહેફિલ પર પોલીસ ત્રાટકી, 6 ઝડપાયા

ટંકારા: શ્રાવણ માસ દરમિયાન ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિ સામે ટંકારા પોલીસે બે અલગ-અલગ સ્થળે દરોડા પાડી મોટી કાર્યવાહી કરી છે. હડમતીયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે એક ઇસમ પોલીસની રેઇડ દરમિયાન નાસી છૂટ્યો હતો. બીજી તરફ, ટંકારા-લતીપર રોડ પર આવેલી ઇન્દ્રપ્રસ્થ-01 સોસાયટીમાં રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા મહાનગરપાલિકાના સ્ટાફ સહિત 6 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા.

બંને કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ.1,80,700નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હડમતીયા ગામની સીમમાં દરોડો:
ઘુડકા જવાના રસ્તે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ટંકારા પોલીસના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડ્યો હતો. જેમાં જેરામભાઈ મોહનભાઈ ખાખરીયા (ઉં.વ.50), સાગરભાઈ કાનજીભાઈ ખાખરીયા (ઉં.વ.32) અને કાનજીભાઈ પ્રેમજીભાઈ ખાખરીયા (ઉં.વ.55) ઝડપાયા હતા. જ્યારે પ્રવિણભાઈ ઉર્ફે ગડુ ગગીજીભાઈ વાઘેલા રેઇડ દરમિયાન નાસી છૂટ્યો હતો. પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના 52 પાના, રોકડા રૂ.23,200 અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.28,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઇન્દ્રપ્રસ્થ-01 સોસાયટીમાં મહાનગરપાલિકાના સ્ટાફ સહિત 6 ઝડપાયા:

ટંકારા-લતીપર રોડ પર આવેલી ઇન્દ્રપ્રસ્થ-01 સોસાયટીના નીરજભાઈ પ્રવિણભાઈ કુકડીયાના રહેણાંક મકાનમાં પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન નીરજભાઈ પ્રવિણભાઈ કુકડીયા (ઉં.વ.30), નવઘણભાઈ હીરાભાઈ ઝાપડા (ઉં.વ.26), આશિષભાઈ રમેશભાઈ રાઠોડ (ઉં.વ.30), સાગરભાઈ જયંતીભાઈ રૂપાલા (ઉં.વ.32), કેવલભાઈ નરશીભાઈ કલોલા (ઉં.વ.28) અને પ્રવિણભાઈ પરસોતમભાઈ કાવર (ઉં.વ.54) ઝડપાયા હતા.

મહત્વની વાત એ છે કે આ જુગારની કાર્યવાહીમાં ઝડપાયેલા 6 ઇસમોમાં મહાનગરપાલિકાના સ્ટાફનો પણ સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી 52 ગંજીપત્તાના પાના, રોકડા રૂ.92,500 અને 6 મોબાઇલ ફોન કિંમત રૂ.60,000 મળી કુલ રૂ.1,52,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ટંકારા પોલીસે બંને કેસમાં કુલ 10 ઇસમો સામે કાર્યવાહી કરી છે, જેમાંથી 9 ઇસમો ઝડપાયા છે જ્યારે 1 ઇસમ ફરાર થયો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular