GPMC એક્ટની કલમ 453 અંગે મનપા તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો, બેઠક કેમ ન બોલાવાઈ તે અંગે સ્પષ્ટતાની માંગ
મોરબી: મોરબી મહાનગરપાલિકાના વહીવટ સામે વધુ એક ગંભીર સવાલ ઊભો થયો છે. ઓગસ્ટ મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં મહાનગરપાલિકાની એકપણ જનરલ બોર્ડ બેઠક યોજાઈ ન હોવાનું સામે આવ્યું છે. જેના પગલે મહાનગરપાલિકામાં કાયદાકીય જોગવાઈઓનું પાલન થઈ રહ્યું છે કે કેમ તે અંગે ચર્ચા શરૂ થઈ છે. મળતી માહિતી મુજબ, GPMC એક્ટની કલમ 453 હેઠળ કોર્પોરેશનની સાધારણ બેઠક અંગે જોગવાઈ કરવામાં આવી છે. દર મહિને સાધારણ બેઠક યોજવાની જોગવાઈ હોવા છતાં ઓગસ્ટ મહિનામાં એકપણ જનરલ બોર્ડ બેઠક ન મળતાં મનપા તંત્ર સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. જનરલ બોર્ડની બેઠકનો દિવસ, સમય અને સ્થળ નક્કી કરવાની જવાબદારી મેયર તથા તેમની ગેરહાજરીમાં સક્ષમ પદાધિકારીની રહે છે. ત્યારે ઓગસ્ટ મહિનામાં બેઠક કેમ બોલાવવામાં આવી નહીં? બેઠક ન યોજવા પાછળ કોઈ કાયદેસર કારણ હતું કે કેમ? તેમજ આ અંગે સક્ષમ સત્તાધિકારીની મંજૂરી લેવામાં આવી હતી કે કેમ? તેવા સવાલો હવે ચર્ચાઈ રહ્યા છે.
મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠક માત્ર ઔપચારિક પ્રક્રિયા નથી, પરંતુ શહેરના વિકાસકામો, રોડ-રસ્તા, પાણી, સફાઈ, ડ્રેનેજ સહિતના પ્રજાકીય પ્રશ્નો અંગે ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા ચર્ચા કરી નિર્ણયો લેવામાં આવે છે. આવી સ્થિતિમાં એક આખો મહિનો જનરલ બોર્ડની બેઠક વિના પસાર થતાં પ્રજાના પ્રશ્નો અને મહત્વના નિર્ણયો અંગે પણ સવાલો ઊભા થયા છે.
હવે મોરબી મહાનગરપાલિકા સામે મુખ્ય પ્રશ્ન એ છે કે ઓગસ્ટ મહિનામાં જનરલ બોર્ડની બેઠક કેમ યોજાઈ નહીં અને બેઠક નહીં યોજવા પાછળ કઈ જોગવાઈ કે કારણ હતું? સમગ્ર મામલે મોરબી મહાનગરપાલિકા તંત્ર દ્વારા સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવે અને જવાબદારી નક્કી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
