ગાંધીનગર: રાજ્યના શહેરી વિસ્તારોના સર્વાંગી વિકાસને વેગ આપવા ગાંધીનગર ખાતે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ માટે વિશેષ સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલાની ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને વિકાસ કામો માટે કુલ રૂ.3,850 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની 17 મહાનગરપાલિકાઓને કુલ રૂ.2,992 કરોડ, જ્યારે 152 નગરપાલિકાઓને રૂ.858 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
આ ફાળવણીમાં મોરબી મહાનગરપાલિકાને વિકાસલક્ષી કામો માટે રૂ.55 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે. આ ગ્રાન્ટથી મોરબી શહેરમાં વિવિધ માળખાકીય સુવિધાઓ તેમજ જનસુખાકારીલક્ષી વિકાસ કામોને વેગ મળવાની અપેક્ષા છે.
મોરબી સહિત 9 શહેરોને રૂ.55-55 કરોડ
રાજ્ય સરકાર દ્વારા મોરબી ઉપરાંત ગાંધીધામ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, નડિયાદ અને આણંદ મહાનગરપાલિકાને પણ પ્રત્યેકને રૂ.55 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
વિકાસ કામોમાં ગુણવત્તા જાળવવા મુખ્યમંત્રીની સૂચના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, શહેરો અને મહાનગરોમાં નાગરિકોને મળતી સેવા-સુવિધાઓ વધુ સિટિઝન સેન્ટ્રિક, પારદર્શક, જવાબદાર અને ટેકનોલોજી આધારિત બને તે જરૂરી છે. વિકાસ કામો માટે ફાળવવામાં આવતા નાણાંનો મહત્તમ અને ગુણવત્તાયુક્ત ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા તેમણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીઓ અને અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીએ નવા વિકાસ કામો હાથ ધરવાની સાથે અગાઉ પૂર્ણ થયેલા કામોની પણ નિયમિત સમીક્ષા કરવા સૂચના આપી હતી. વિકાસ કામોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કરી કામગીરીની ચકાસણી કરવામાં આવે તેવો અનુરોધ પણ કર્યો હતો.
RCC રસ્તા, સ્વચ્છતા અને ગ્રીન કવર પર ભાર
મુખ્યમંત્રીએ શહેરોમાં નવા રસ્તાઓ RCCના બનાવવા, શહેરી સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવા તેમજ શહેરોમાં ગ્રીન કવર વધારવા અને વૃક્ષારોપણને વેગ આપવા ભાર મૂક્યો હતો.
શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નાણાંના અભાવે શહેરોના વિકાસ કામો અટક્યા નથી. હવે હાથ ધરવામાં આવતા વિકાસ કામો વધુ ગુણવત્તાયુક્ત બને તે માટે ખાસ કાળજી લેવાની જરૂરિયાત છે.
ક્લાઈમેટ ચેન્જને ધ્યાનમાં રાખીને શહેરી વિકાસનું આયોજન કરવા તેમજ શહેરોને વધુ હરિયાળા, સ્વચ્છ અને સુવિધાસભર બનાવવા પણ તેમણે ભાર મૂક્યો હતો.
મોરબીના વિકાસને મળશે વેગ
મોરબી મહાનગરપાલિકાને મળેલી રૂ.55 કરોડની ગ્રાન્ટ શહેરના માળખાકીય વિકાસ અને જનસુખાકારીના વિવિધ કામો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ગ્રાન્ટના ઉપયોગથી શહેરમાં વિકાસલક્ષી કામોને વેગ મળવાની સાથે નાગરિકોને વધુ સારી શહેરી સુવિધાઓ ઉપલબ્ધ થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
