Homeગુજરાત₹1500 કરોડના SMS સ્ટોક ટિપ કૌભાંડમાં SEBIનો સકંજો, ભાવનગરમાં ઈકોનો બ્રોકિંગ પર...

₹1500 કરોડના SMS સ્ટોક ટિપ કૌભાંડમાં SEBIનો સકંજો, ભાવનગરમાં ઈકોનો બ્રોકિંગ પર તપાસ

ભાવનગર: ભાવનગરના અતાભાઈ ચોક વિસ્તારમાં આવેલા ઈવા કોમ્પ્લેક્સમાં SEBIની ટીમ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અહીં આવેલી ઇકોનો બ્રોકિંગની ઓફિસમાં છેલ્લા સાત કલાકથી SEBI અધિકારીઓ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે.


પ્રાથમિક માહિતી મુજબ, આ કાર્યવાહી વર્ષ 2023માં સામે આવેલા આશરે ₹1,500 કરોડના કથિત SMS સ્ટોક ટિપ ઘોટાળા સાથે જોડાયેલી હોવાની આશંકા છે. SEBIની ટીમ દ્વારા ઓફિસમાંથી વિવિધ દસ્તાવેજો, નાણાકીય વ્યવહારો અને અન્ય મહત્વના રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે.


આ સમગ્ર મામલામાં ભાવનગરના કથિત માસ્ટરમાઇન્ડ હનીફ શેખ ઉર્ફે ખટકીનું નામ પણ સામે આવ્યું છે. અગાઉ હનીફ શેખ સાથે જોડાયેલા ઠેકાણાઓ પર ED અને SEBI દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.


2 ઓગસ્ટ 2025ના રોજ EDએ પણ આ કેસમાં કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન બિલ્ડિંગના તાળા તોડી તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ SEBIની તપાસમાં કથિત ‘પંપ એન્ડ ડમ્પ’ ઘોટાળાના તાર મળ્યા હોવાની માહિતી સામે આવી હતી.


SEBIની નજરમાં અગાઉથી રહેલા હનીફ શેખ ઉર્ફે ખટકી સાથે જોડાયેલા SMS સ્ટોક ટિપ કેસના તાર ઇકોનો બ્રોકિંગ સુધી પહોંચતા હોવાની આશંકાને પગલે હાલની તપાસ મહત્વપૂર્ણ બની છે.


ફિલહાલ SEBIની ટીમ દ્વારા ઈવા કોમ્પ્લેક્સમાં ઇકોનો બ્રોકિંગની ઓફિસે દસ્તાવેજો અને અન્ય મુદ્દાઓની ગહન તપાસ ચાલુ રાખવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.

RELATED ARTICLES

Most Popular