ગાંધીધામ: ગુજરાતમાં ઇન્કમટેક્સ વિભાગે વિદેશી નાણાં ટ્રાન્સફર અને કથિત બોગસ Form 15CB સર્ટિફિકેટના મામલે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ, ગાંધીધામ, મુન્દ્રા અને રાજકોટમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
આ કાર્યવાહીમાં એક શિપિંગ કંપની તથા ચાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ તપાસના રડારમાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં કેટલાક CA દ્વારા કથિત રીતે બોગસ Form 15CB સર્ટિફિકેટ બનાવી તેનો ઉપયોગ વિદેશમાં નાણાં મોકલવા માટે કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
કચ્છના ગાંધીધામ-મુન્દ્રા પર ખાસ નજર
આ સમગ્ર કાર્યવાહીમાં ગાંધીધામ અને મુન્દ્રાનો સમાવેશ થતાં કચ્છના વેપાર અને શિપિંગ ક્ષેત્રમાં પણ ચર્ચા તેજ બની છે. તપાસમાં બેંક ટ્રાન્ઝેક્શન, ઇમ્પોર્ટ-એક્સપોર્ટ બિલિંગ, ડિજિટલ રેકોર્ડ અને Form 15CB સંબંધિત દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે.
કેટલાક વ્યવહારોમાં કાગળ પર વેપાર દર્શાવી નાણાંની હેરફેર કરવામાં આવી હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. અધિકારીઓ કથિત નાણાકીય વ્યવહારોની મની ટ્રેલ શોધી રહ્યા છે.
₹804.30 કરોડના આંકડાથી મામલો ગંભીર
આ સમગ્ર પ્રકરણમાં ₹804.30 કરોડની કથિત ગેરરીતિ/શંકાસ્પદ વ્યવહારોને લઈને તપાસ આગળ વધી રહી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. ચાર CA અને પાંચ વચેટિયા સહિત કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી સામે આવી છે.
