80 મીટર વિઘ્ન દોડમાં પ્રથમ સ્થાન મેળવી માવી મનોજે ગોલ્ડ મેડલ જીત્યો
ગુજરાત સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ યોજાયેલી SGFI રમતગમત સ્પર્ધામાં ગોરખીજડિયા પ્રાથમિક શાળાના રમતવીરોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું છે.
સ્પર્ધામાં 80 મીટર વિઘ્ન દોડમાં માવી મનોજે પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ ઉપરાંત ચક્ર ફેંક સ્પર્ધામાં કંઝારીયા પૂનમે દ્વિતીય ક્રમ મેળવી શાનદાર સિદ્ધિ હાંસલ કરી હતી.
જ્યારે લાંબી કૂદ સ્પર્ધામાં મેડા સેનાએ તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાની સિદ્ધિઓમાં વધુ એક મેડલનો ઉમેરો કર્યો હતો.
જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ત્રણેય રમતવીરોએ કરેલા ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ગોરખીજડિયા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે જ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી કામના કરવામાં આવી હતી.
ત્રણેય વિદ્યાર્થીઓની આ સિદ્ધિથી શાળા પરિવાર તેમજ વાલીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.
