વલસાડ જિલ્લાના પૂર્વ એસપી ડો. કરણરાજ વાઘેલા ના કાર્યકાળ દરમિયાન શરૂ કરાયેલા વિશેષ તાલીમ વર્ગોએ આજે મીઠાં ફળ આપ્યા છે. વલસાડ પોલીસ અને યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ ઉમેદવારો માટે LRD (લોકરક્ષક દળ) ભરતીના ખાસ કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા. આ સેવાકીય પહેલનો હેતુ સ્થાનિક યુવાનોને યોગ્ય માર્ગદર્શન આપી તેમને સરકારી નોકરી માટે તૈયાર કરવાનો હતો.

તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં આ તાલીમ વર્ગના 8 જેટલા ઉમેદવારો એ મેદાન માર્યું છે. સફળ થયેલા ઉમેદવારોની યાદી નીચે મુજબ છે:
દિવ્યાની પટેલ, ધ્રુવિલ પટેલ, કીર્તિ પટેલ, સૃષ્ટિ પટેલ, ચેતન દાસનુર, જીગર પટેલ, અલ્કેશ થોરાટ અને સાગર ગણવીત
આ 8 યુવાનોની સફળતાથી તેમના પરિવારોમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પરિજનોએ વલસાડ પોલીસ અને યુવા ઉપનિષદ ફાઉન્ડેશનનો આભાર માનતા જણાવ્યું હતું કે, જો પોલીસ દ્વારા આ પ્રકારનું માર્ગદર્શન ન મળ્યું હોત તો આ મુકામ સુધી પહોંચવું મુશ્કેલ હતું.

આ ભવ્ય સફળતા બદલ પૂર્વ એસપી ડો. કરણરાજ વાઘેલા તેમજ વલસાડ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તમામ સફળ ઉમેદવારોને સોશિયલ મીડિયા અને ટેલિફોનિક માધ્યમથી શુભેચ્છા પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી છે. પોલીસની આ કામગીરીની સમગ્ર જિલ્લામાં પ્રશંસા થઈ રહી છે.
