ઉતરાયણ પર્વ હજુ નજીક આવી રહ્યું છે ત્યાં જ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીએ પોતાનો રક્તરંજિત ખેલ શરૂ કરી દીધો છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા-અંબાજી સ્ટેટ હાઇવે પર ચાઈનીઝ દોરીથી એક ટુ-વ્હીલર ચાલક ગંભીર રીતે ઘાયલ થવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડબ્રહ્માના રાધીવાડ નજીકથી એક યુવક પોતાનું સ્કૂટર લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક આકાશમાંથી લટકતી ઘાતક ચાઈનીઝ દોરી તેના ગળા અને ચહેરાના ભાગે આવી ગઈ હતી. દોરી એટલી ધારદાર હતી કે યુવક કંઈ સમજે તે પહેલા જ તેના મોઢાના ભાગે ગંભીર કાપો પડી ગયો હતો.
લોહીલુહાણ હાલતમાં યુવકને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તબીબોના જણાવ્યા અનુસાર, યુવકના ચહેરા પર ગંભીર ઈજાઓ હોવાથી ૨૫ થી વધુ ટાંકા લેવા પડ્યા છે. પ્રાથમિક સારવાર બાદ યુવકની ગંભીર હાલતને જોતા તેને વધુ સારવાર માટે અન્ય મોટી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે.
આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. દર વર્ષે સરકાર દ્વારા ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, છતાં પણ તેનું વેચાણ અને ઉપયોગ બિન્દાસ્ત રીતે થઈ રહ્યો છે.
- શું પોલીસ તંત્ર માત્ર કાગળ પર જ પ્રતિબંધ રાખે છે?
- પ્રતિબંધિત દોરી વેચનારાઓ સામે ક્યારે લેવાશે કડક પગલાં?
- નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકનારા વેપારીઓ પર લાલ આંખ ક્યારે થશે?
ઉતરાયણ પર્વ પહેલા જ આવી ઘટના બનતા રાહદારીઓ અને વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
