મોરબી શહેરના રાજનગર વિસ્તારમાં રખડતા આખલાઓનો ત્રાસ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. જાહેર રોડ પર અચાનક બે આખલાઓ વચ્ચે યુદ્ધ શરૂ થતા વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે ડરનો માહોલ સર્જાયો હતો. રોડ વચ્ચે ચાલેલા આખલાયુદ્ધના કારણે થોડીવાર માટે ટ્રાફિક પણ ખોરવાયો હતો.
શહેરમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર આખલાઓના યુદ્ધના દ્રશ્યો સામે આવી રહ્યા છે. મુખ્ય માર્ગો પર આવા બનાવો બનતા હોવાના કારણે અકસ્માતની ભીતિ સતત વધી રહી છે. ખાસ કરીને બાઈકચાલકો, વૃદ્ધો અને બાળકો માટે આ સ્થિતિ અત્યંત જોખમી બની રહી છે.
મોરબી મહાનગર પાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ ચલાવવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ રાજનગર વિસ્તારમાં સામે આવેલા દ્રશ્યો આ ઝુંબેશને પોકળ સાબિત કરી રહ્યા છે. ઢોર પકડવાની કામગીરી બાદ પણ થોડા જ દિવસોમાં આખલાઓ ફરી રસ્તા પર જોવા મળી રહ્યા છે.
સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે પાલિકાની કાર્યવાહી માત્ર ઔપચારિકતા પૂરતી રહી છે. આખલાઓને પકડ્યા બાદ કાયમી ઉકેલ ન લાવવામાં આવતા સમસ્યા ફરીથી ઉભી થઈ રહી છે. પરિણામે લોકો રોજબરોજ જીવના જોખમે રસ્તા પર આવનજાવન કરવા મજબૂર બન્યા છે.
નાગરિકોએ માંગ કરી છે કે રખડતા આખલાઓ સામે કાયમી અને અસરકારક પગલાં લેવામાં આવે, આખલા માલિકો સામે કડક કાર્યવાહી થાય અને મનપાની ઢોર પકડ ઝુંબેશને વધુ સક્રિય બનાવવામાં આવે. જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો કોઈ મોટી જાનહાની થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે
આખલાઓના ત્રાસ પર અંકુશ ક્યારે આવશે? અને તંત્ર ક્યારે ગંભીર બનશે?
