મોરબીના સિરામિક ઉદ્યોગમાં એસોસિએશનની ચૂંટણી બાદ અંદરો અંદર તણાવ અને વાદવિવાદ તેજ બન્યા છે. ખાસ કરીને વોલ ટાઇલ્સ સિરામિક એસોસિયેશનની તાજેતરની ચૂંટણીમાં આવેલ પરિણામોએ ઉદ્યોગ જગતમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે.
મળતી માહિતી અનુસાર, છેલ્લા ઘણા સમયથી સિરામિક એસોસિએશનના એક પ્રભાવશાળી પ્રમુખ દ્વારા પોતાના મનગમતા ઉમેદવારને પ્રમુખ પદ પર બેસાડવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. છતાં આજે જાહેર થયેલા ચૂંટણી પરિણામોએ તમામ સમીકરણો બદલી નાખ્યા છે.
ચૂંટણીમાં ધાર્યા બહારનો ઉમેદવાર વિજેતા બનતા ઉદ્યોગ જગતમાં ચકચાર મચી છે અને અંદરો અંદર મતભેદો સપાટી પર આવવા લાગ્યા છે. પોતાના વર્ચસ્વને જાળવી રાખવા માટે સતત સક્રિય રહેલા આ પ્રમુખને હવે સ્પષ્ટ સંદેશો મળ્યો છે કે ઉદ્યોગોમાં અંતિમ નિર્ણય ઉદ્યોગકારોનો જ હોય છે.
સૂત્રો જણાવે છે કે, રાજકીય જોડાણો અને નેતાઓની નજીકતા દ્વારા એસોસિએશનમાં પકડ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ ઉદ્યોગકારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને અલગ જ દિશામાં નિર્ણય લીધો છે.
આ પરિણામથી એ પણ સ્પષ્ટ થયું છે કે ઉદ્યોગ અને રાજકારણ બંનેના ક્ષેત્રો અલગ છે, અને એક ક્ષેત્રની અસર બીજા ક્ષેત્રમાં હંમેશા કામ કરતી નથી.
આ સમગ્ર ઘટનાક્રમ પછી મોરબીના સિરામિક ઉદ્યોગમાં હવે આગામી સમયમાં આંતરિક ગોઠવણો અને નવી સમીકરણો કેવી રીતે બને છે તે જોવાનું રહેશે.
