સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરની આત્મહત્યાના કેસમાં હોસ્પિટલ પ્રશાસને મોટી કાર્યવાહી કરી છે. માઇક્રોબાયોલોજી વિભાગમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોક્ટરે પીજી હોસ્ટેલના પોતાના રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઘટનાને પગલે ખટોદરા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ પ્રશાસન દ્વારા એન્ટી રેગિંગ કમિટી તેમજ ઉચ્ચસ્તરીય તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. તપાસ પૂર્ણ થયા બાદ કમિટીની ભલામણના આધારે ચાર રેસિડેન્ટ ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
રાત્રે 8:30 વાગ્યાથી વહેલી સવારે 4 વાગ્યા સુધી ચાલેલી મેરેથોન બેઠક બાદ કમિટીએ ચાર રેસિડેન્ટ ડોક્ટરોને 6 મહિના માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે.
સસ્પેન્ડ કરાયેલા રેસિડેન્ટ ડોક્ટરોમાં:
- ડો. નિરાલી વસાવે
- ડો. અનુજ મહેશ્વરી
- ડો. દીક્ષિતા ઘેવરિયા
- ડો. હિના ભૂત
નો સમાવેશ થાય છે.
કમિટીના રિપોર્ટમાં શિસ્તભંગ અને ગંભીર બેદરકારીના આધારે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડો. સુમૈયા મુલ્લા સહિત ચાર ફેકલ્ટી સભ્યોને પણ શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં ડો. સંગીતા રાજદે, ડો. યોગિતા મિસ્ત્રી અને ડો. લતિકા પુરોહિતનો પણ સમાવેશ થાય છે.
હોસ્પિટલ પ્રશાસન દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ, ખટોદરા પોલીસ સમગ્ર મામલાની તપાસમાં લાગી છે.
રેસિડેન્ટ ડોક્ટરની આત્મહત્યાની પાછળની પરિસ્થિતિઓ તેમજ તપાસ કમિટીના રિપોર્ટના આધારે હવે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
