મોરબી : શહેરમાં જાહેર રસ્તાઓ અને જાહેર જગ્યાઓ પર થતાં દબાણો સામે હવે મહાનગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. મોરબીની અવની ચોકડી પાસે મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
અવની ચોકડી પાસે રસ્તા પર લારીઓ ઉભી રાખી દબાણ કરતા લારીધારકો સામે પાલિકાની ટીમે કાર્યવાહી કરી હતી. લાંબા સમયથી લારીધારકોને સમજાવીને દબાણ દૂર કરાવવામાં આવતું હતું, પરંતુ વારંવાર દબાણ થતું હોવાના કારણે હવે પાલિકાએ સમજાવટ બાદ સીધી દંડની કાર્યવાહી શરૂ કરી છે.
આજરોજ હાથ ધરાયેલી કાર્યવાહીમાં 11 જેટલા લારીધારકોને કુલ ₹2,200નો દંડ ફટકારવામાં આવ્યો હતો અને સ્થળ પરના દબાણો દૂર કરાવવામાં આવ્યા હતા.
પાલિકાની સ્પષ્ટ ચેતવણી
મહાનગરપાલિકાની દબાણ શાખાએ હવે લારીધારકોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ફરીથી જાહેર રસ્તા પર દબાણ કરવામાં આવશે તો માત્ર દંડ વસૂલવામાં નહીં આવે, પરંતુ લારીઓ જપ્ત કરવાની કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.
અગાઉ વારંવાર સમજાવટ અને સૂચનાઓ આપવામાં આવ્યા બાદ પણ જો દબાણ યથાવત રહેતું હોય તો હવે પાલિકાએ ‘પહેલા સમજાવટ, હવે દંડ અને ત્યારબાદ સીધી જપ્તી’નું વલણ અપનાવ્યું છે.
અવની ચોકડી બાદ શહેરના અન્ય વિસ્તારોમાં પણ જાહેર રસ્તાઓ અને ટ્રાફિકને અડચણરૂપ બનતા દબાણો સામે કાર્યવાહી વધુ તેજ બને તેવી શક્યતા છે.
મોરબીમાં દબાણખોરો માટે હવે ચેતવણી નહીં, કાર્યવાહીનો સમય શરૂ થયો છે!
