ભારતીય હોવાના આધાર પુરાવા ન મળતા રાજકોટ રેન્જ ટીમની કાર્યવાહી
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદ-રાજકોટ હાઇવે પરથી ભારતીય નાગરિક હોવાના કોઈ આધાર પુરાવા રજૂ ન કરી શકનાર શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલાને રાજકોટ રેન્જની ટીમે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે સાયલા પોલીસને સોંપી છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રાજકોટ રેન્જ હેઠળના જિલ્લાઓમાં પોતાની ઓળખ છુપાવીને રહેતા તેમજ ભારતીય નાગરિક હોવાના પૂરતા આધાર પુરાવા ન ધરાવતા પાકિસ્તાની અને બાંગ્લાદેશી શંકાસ્પદ નાગરિકોને શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી.
આ સૂચના અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર શ્રી પી.એન. મોરી, શ્રી બી.સી. મીયાત્રા, શ્રી સી.એમ. કાંટેલિયા સહિતની ટીમ દ્વારા હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી હતી.
દરમિયાન ટીમના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ફતેસંગ પરમાર અને દિલીપસિંહ સિધવને મળેલી બાતમીના આધારે સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદ-રાજકોટ હાઇવે પર ગોસળ ગામની સીમમાં આવેલા દેવનારાયણ ભોજનાલય ખાતે એક મહિલા શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.
પોલીસે મહિલાને ભારતીય નાગરિક હોવાના આધાર પુરાવા રજૂ કરવા જણાવતા તેની પાસે ભારતની નાગરિકતા સાબિત કરતા કોઈ આધાર પુરાવા ન હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે રાજકોટ રેન્જની ટીમે શંકાસ્પદ મહિલાને હસ્તગત કરી સાયલા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાયદેસરની કાર્યવાહી માટે સોંપી હતી.
સમગ્ર મામલે સાયલા પોલીસ દ્વારા મહિલાની ઓળખ, ભારતમાં પ્રવેશ તથા અહીં રહેવા અંગેના સંજોગો સહિતની બાબતો અંગે વધુ કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે
