Homeગુજરાતઝુંબેશ થાય છે, પશુઓ પકડાય છે... છતાં સ્થિતિ ફરી એ જ! મોરબીમાં...

ઝુંબેશ થાય છે, પશુઓ પકડાય છે… છતાં સ્થિતિ ફરી એ જ! મોરબીમાં પાલિકા સામે સવાલ

મોરબી: શહેરમાં રખડતા પશુઓની સમસ્યા ફરી એકવાર ગંભીર બની રહી છે. મોરબી મહાનગરપાલિકાના મુખ્ય માર્ગો અને જાહેર રસ્તાઓ પર પશુઓના ટોળાં અડીંગો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતનો ભય પણ સતત વધી રહ્યો છે.શહેરના કેટલાક મુખ્ય રસ્તાઓ પર દિવસ દરમિયાન જ રખડતા પશુઓ રસ્તાની વચ્ચે બેસી રહેતા હોવાથી વાહનચાલકોને જોખમી રીતે વાહનો પસાર કરવા પડે છે. ખાસ કરીને બાઇક અને ટુ-વ્હીલર ચાલકો માટે આ સ્થિતિ વધુ જોખમી બની રહી છે.રખડતા પશુઓને પકડવા માટે અગાઉ મહાનગરપાલિકા દ્વારા અનેક વખત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં પશુઓને પકડીને અન્યત્ર ખસેડવામાં આવ્યા હોવાના દાવા પણ કરવામાં આવ્યા હતા. જોકે, થોડા સમય બાદ ફરી શહેરના રસ્તાઓ પર એ જ સ્થિતિ જોવા મળતા પાલિકાની કામગીરીની અસરકારકતા સામે સવાલો ઊભા થયા છે.શહેરીજનોનો સવાલ છે કે જો પશુ પકડવાની કામગીરી નિયમિત અને અસરકારક રીતે કરવામાં આવી રહી હોય તો ફરીથી મુખ્ય માર્ગો પર પશુઓના ટોળાં કેવી રીતે જોવા મળી રહ્યા છે? શું પાલિકાની કામગીરી માત્ર ઝુંબેશ પૂરતી જ સીમિત રહી છે કે પછી રખડતા પશુઓ માટે કાયમી વ્યવસ્થાનો અભાવ છે?રસ્તાઓ પર રખડતા પશુઓના કારણે અકસ્માત સર્જાય અને કોઈનો જીવ જોખમમાં મુકાય તેની રાહ જોવાને બદલે મહાનગરપાલિકાએ નિયમિત અને કડક કાર્યવાહી કરવાની જરૂર છે. સાથે જ પકડાયેલા પશુઓ માટે યોગ્ય વ્યવસ્થા અને પશુપાલકો સામે નિયમ મુજબ કાર્યવાહી થાય તેવી પણ માંગ ઉઠી રહી છે.વારંવારની કામગીરી બાદ પણ જો સ્થિતિ ફરી એ જ બની જાય, તો સવાલ એ છે કે રખડતા પશુઓની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે? શહેરના નાગરિકો હવે માત્ર કાર્યવાહી નહીં, પરંતુ પરિણામલક્ષી અને કાયમી ઉકેલની રાહ જોઈ રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular