Homeગુજરાતકચ્છના દરિયાકાંઠે શંકાસ્પદ સાધનો મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક!

કચ્છના દરિયાકાંઠે શંકાસ્પદ સાધનો મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક!

કચ્છ: કચ્છના જખૌ દરિયાકાંઠા વિસ્તારમાં સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ વસ્તુઓ મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. જખૌના પિંગલેશ્વર લૅન્ડિંગ નજીકના દરિયાકાંઠેથી એક શંકાસ્પદ AIS (Automatic Identification System) સિસ્ટમ અને એક ઓક્સિજન સિલિન્ડર મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે.

જખૌ પોલીસ સ્ટેશનના PSI આર.જે. ગોહિલના માર્ગદર્શન હેઠળ દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન પોલીસ સાથે SOG, SIB, L.I.B. અને SRDના જવાનોની સંયુક્ત ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું.

પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ AIS સિસ્ટમ મળી આવતા સમગ્ર મામલો ગંભીરતાથી લેવામાં આવ્યો છે. AIS સિસ્ટમનો ઉપયોગ સામાન્ય રીતે જહાજોની ઓળખ અને તેમની સ્થિતિ અંગેની માહિતી મેળવવા માટે થાય છે, જેથી દરિયાકાંઠા વિસ્તારમાંથી આવી સિસ્ટમ મળી આવતાં સુરક્ષા એજન્સીઓ દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત સ્થળ પરથી એક શંકાસ્પદ ઓક્સિજન સિલિન્ડર પણ મળી આવ્યો છે. બંને વસ્તુઓ ક્યાંથી આવી, કોઈ બોટ કે જહાજ સાથે તેનો સંબંધ છે કે કેમ અને તેને દરિયાકાંઠે કોણે અથવા કેવી રીતે છોડી તે સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.

કચ્છના દરિયાકાંઠાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં આ શંકાસ્પદ વસ્તુઓ પાછળનું ચોક્કસ કારણ શું છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

RELATED ARTICLES

Most Popular