અમેરિકાના શિકાગો શહેરમાં રહેતા મૂળ વડોદરાના એક ગુજરાતી પરિવારમાં ગમખ્વાર ઘટના બની છે. પુત્રએ પોતાના જ પિતાની ઘાતકી હત્યા કરી નાખતા અમેરિકા સ્થિત ગુજરાતી સમાજ અને વડોદરામાં રહેતા સગા-સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.શિકાગોમાં રહેતા અનુપભાઈ પટેલની તેમના પુત્ર અભિજીત પટેલે હત્યા કરી નાખી છે. અભિજીતે અનુપભાઈના માથાના ભાગમાં હથોડીના ગંભીર ઘા ઝીંકીને તેમની હત્યા કરી હતી. અનુપભાઈ પટેલ લાંબા સમયથી પોતાના પુત્ર અભિજીતના વર્તનથી નારાજ હતા. પુત્રના વર્તનના કારણે તેમણે અગાઉ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. હત્યા કર્યા બાદ પુત્ર અભિજીત પટેલે પોતે જ પોલીસને જાણ કરીને આ ઘટનાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
